Devangi Bhatt opinion in Hinduism

તનિષ્કની ટીમનો એડ બનાવવાનો હેતુ વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો અને ઈમોશનલ કનેક્ટનો જ હોઈ શકે. પણ એનો વિરોધ થયો. આવું કેમ થાય છે? આજથી એક વર્ષ પહેલા લખેલો આર્ટીકલ ફરી શેર કરી રહી છું કેમકે આજેપણ એ લાગુ પડે છે.

           ✍️કટ્ટરવાદ રોકવો હોય તો સમજવો પડશે

આ દેશને અત્યારે જો કોઈ સમસ્યા સૌથી વધુ પજવી રહી છે તો એ છે કટ્ટરવાદ. પ્રશ્ન એ છે કે કટ્ટરવાદ કેમ જન્મ લે છે ?

જ્યારે કોઈ સમૂહ કે પ્રજા સતત અન્યાયબોધ અનુભવે કે કોર્નર્ડ અનુભવે ત્યારે ડીફેન્સ મીકેનીઝમના ભાગરૂપે કટ્ટરવાદ જન્મ લેતો હોય છે.

આજનું ઇસ્લામનું જે વિકરાળ કે અગ્રેસીવ રૂપ છે એ મૂળભૂત રીતે ક્રિશ્ચ્યાનીટી સામે સ્વબચાવમાં કે અન્યાયબોધમાંથી વિકસેલું છે. અને કમનસીબીની વાત એ છે કે એ જ અનુભવમાં થી અત્યારે હિંદુ પ્રજા પસાર થઇ રહી છે. આ પ્રજા સતત સ્વ-બચાવ કરીને થાકી ગઈ છે અને હવે અગ્રેસીવ બની રહી છે. જો હિંદુ બહુમતીને અતાર્કિક અગ્રેસિવ બનવાથી રોકવી હશે તો એના પરના ખોટા આરોપો અટકાવવા પડશે.

છેલ્લા ઘણા વર્ષોથી ભારતના મુસ્લિમો અસુરક્ષિત હોવાનો, પીડિત હોવાનો એક સુર અવારનવાર ઉઠતો રહે છે. અનેક એનજીઓ દ્વારા , કેટલાક મીડિયા દ્વારા અને ચોક્કસ મુસ્લિમ વર્ગ દ્વારા એક એવું હવામાન ગ્લોબલી ઉભું કરાયું છે કે ભારતની મુસ્લિમ પ્રજા વિકટીમ છે. ભારતમાં હિંદુઓ દ્વારા, સરકાર દ્વારા આ લઘુમતીનું શોષણ થાય છે. આ સુરની તીવ્રતા એ હદ સુધી પણ પહોચે છે કે ભારત એક એન્ટી-મુસ્લિમ દેશ છે જેને સતત સર્વધર્મ સમભાવના ભાષણો આપતા રહેવાની જરૂર છે. હવે આગળ કશુપણ લખતા પહેલા હું કેટલાક આંકડા આપવા માગું છું .

ભારત આખા વિશ્વની સેકન્ડ લાર્જેસ્ટ મુસ્લિમ વસ્તી ધરાવે છે. ઇસ્લામિક દેશ ન હોય અને છતાં આટલી મુસ્લિમ વસ્તી હોય એવો ભારત પ્રથમ ક્રમનો દેશ છે. ( આઝાદી સમયે કૂલ મુસ્લિમ વસ્તી ૩૪ મીલીયન એટલે કે લગભગ ૯% હતી તે આજે ૨૦૦ મીલીયન એટલે કે ૧૪% થી વધુ છે.) That is more than population of many Islamic countries.
• ભારતમાં મુસ્લીમ્સને માઈનોરીટીનું સ્ટેટ્સ અપાયેલું છે. આના પરિણામે મોમા ( મીનીસ્ટ્રી ઓફ માઈનોરીટી અફ્ફેર્સ ) સ્કોલરશીપ એવા માઈનોરીટી વિદ્યાર્થીઓને અપાય છે જે આર્થિક રીતે સક્ષમ નથી.
• ભારતમાં મુસ્લીમ્સને પોતાની ધાર્મિક કાયદાવ્યવસ્થા ફોલો કરવાની, ટેક્સ ફ્રી રીલીજીયસ સેન્ટર શરુ કરવાની, પોતાની કેટલીક જાહેર રજાઓ નિશ્ચિત કરવાની અને પોતાનું આગવું શૈક્ષણિક સંસ્થાન ઉભું કરી તેમાં રીઝર્વેશન રાખવાની સ્વતંત્રતા છે
• જામિયા મીલીયા ઇસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીની સ્થાપના ધાર્મિક માઈનોરીટીના આધારે થઇ છે. જો ભારતના ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશનના ખાલી નામોનું લિસ્ટ જોઈએ તો ૪૨ પાનાં લાંબુ ડોક્યુમેન્ટ છે.
• ભારતમાં ૧૯૫૯માં ‘હજ એક્ટ’ અમલમાં મુકાયો (નવા સ્વરૂપે) જે મુજબ ભારત થી હજ પર જતા મુસ્લિમ યાત્રીઓ માટે સબસીડી આપવામાં આવી. વર્ષ ૨૦૦૯ માં જે રકમ મુસ્લિમ યાત્રીઓ માટે ચૂકવાઈ ફક્ત એનો આંકડો ૮૬૪૭ મિલિયન હતો
• ભારતમાં લગભગ ત્રણ લાખ થી વધુ મસ્જીદો છે ૨૦૧૭ ના આંક મુજબ દેશમાં પાંચ લાખ જેટલા મદરેસા કાર્યરત હતા.
• ન્યુઝ ૧૮ ના રીપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૮માં જે સેન્ટ્રલ ગવર્મેન્ટ ની સ્કીમ હેઠળ સ્કોલરશીપ અપાઈ તેમાં ૮૦% મુસ્લિમ વિદ્યાર્થીઓને અપાઈ હતી. અને ૪.૭ % આ દેશના બહુમતી હિંદુ નાગરિકોના બાળકોને મળી હતી. જો આંકડામાં કહું તો મુસ્લિમ લાભાર્થીઓ હતા ૮૮ લાખ અને હિંદુ હતા ફક્ત ૫ લાખ .
• ભારતના ત્રણ પ્રેસીડન્ટ મુસ્લિમ હતા, છેલ્લા આંકડા મુજબ ૨૭ મેમ્બર ઓફ પાર્લામેન્ટ મુસ્લિમ છે અને ક્રીટીકલ જજમેન્ટ આપનાર તમામ બેચમાં ( ટ્રીપલ તલાક, અયોધ્યા ) મુસ્લિમ જજ શામેલ હતા.
• આ દેશની ક્રિકેટ ટીમના કપ્તાન, ફિલ્મ સ્ટાર, આઈ.એ.એસ ઓફિસર્સ , ગાયકો, શાયરો, લેખકો, વાઈસ ચાન્સલર, પત્રકાર દરેક જગ્યાએ અને હોદ્દા પર મુસ્લીમ સભ્યો છે.
• આ દેશમાં મુસ્લિમ એ માત્ર એક પ્રજા નથી પણ સભ્યતા છે. આખા વિશ્વમાં કોઇપણ લઘુમતીની સભ્યતાના આટલા ઊંડા મૂળ હોય એનો બેજોડ દાખલો છે ભારત.

તો મુસ્લિમો આ દેશમાં ઓપ્રેસ્ડ છે અને હિંદુઓ અસહીષણું છે એ ભયંકર આત્યંતિક અને અન્યાયી વિધાન છે. એમની સમસ્યાઓ દરેક નાગરિકની જેમ હોવાની જ, પણ એને એમના ધર્મ સાથે કાયમ જોડી દેવી એ વધુ પડતું છે. અને મુસ્લિમ જ કેમ પારસી, ખ્રિસ્તી, સીખ આ બધા લોકો માઈનોરીટી છે. પણ પીડિત હોવાની ચીસ ફક્ત એકબાજુ થી જ આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિખવાદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું એ અંગેના મુદ્દા જોઈએ. અને અહીં જે મુદ્દા મુકાઈ રહ્યા છે એ દરેક નાગરિકનાના મનમાં છે. કેટલાક કહે છે કેટલાક નથી કહેતા. કારણકે આ દેશમાં પ્રો-મુસ્લિમ હોવું એ સેક્યુલર છે અને સેક્યુલર હોવું એ એન્ટી-મુસ્લિમ છે.

એક નિશ્ચિત વર્ગ સતત બહુ જ પાર્શિઅલ રીતે બહુમતીને કોસતો રહે છે. આના કારણો અનેક હોઈ શકે. કેટલાકને વર્તમાન સરકાર સામે વાંધો છે એટલે, કેટલાકને પોતે કેટલા વિશાળ હ્રદયી છે એવું પબ્લિક પ્લેટફોર્મ પર દર્શાવવું છે એટલે અને કેટલાક પોતે મુસ્લિમ છે પણ સેકયુલરના ઓઠા હેઠળ રજૂઆત કરે છે માટે ...એક યા બીજી રીતે આ દેશની ૮૦% પ્રજા જાણે અસહીશણુ હોય એમ શબ્દો ફેંકાયા કરે છે. મીડિયામાં પણ શોષણની કથાઓ વેચવી સહેલી હોય છે, સદભાવને કોણ ખરીદે છે ? આનું પરિણામ એ આવે છે કે સામાન્ય મુસ્લિમ પ્રજા ભયભીત થાય છે અને સામાન્ય હિંદુનો કુપ્રચાર થાય છે. એટલી સિફત થી આ થતું હોય છે કે જો તમે એ સ્થિતિમાં નથી તો એ સમજવું અઘરું છે.

• જેમકે “ મુસ્લિમને હિંદુ સોસાયટીમાં ઘર નથી આપતા “ આ એક વિકૃત રજૂઆત છે. આ જ વાતનું બીજું પાસું એ પણ છે કે હિંદુઓ પણ મુસ્લિમ વિસ્તારમાં ઘર નથી ખરીદતા. એનું કારણ દ્વેષ નથી પણ જુદી સભ્યતા અને ટેવો છે. કેનેડાના ટોરંટોમાં બ્રામ્પટનમાં પંજાબી લોકાલીટી નજીક આવી જાય છે કે મલેશિયામાં લીટલ ઇન્ડિયા ઉભું થાય છે એનું કારણ એ છે કે લોકો સમાન ટેવો વાળા જુથમાં જીવવા ઇચ્છે છે. આને શોષણનું નામ ન આપી શકાય.
• એક સાહેબે  આર્ટીકલ શેર કર્યો જે કહે છે “ ભારતમાં મુસ્લિમોની સ્થિતિ ખરાબ છે”. આ લેખમાં મુસ્લિમોમાં શિક્ષણ ઓછું છે અને એમને ઉચ્ચ સરકારી નોકરીઓ નથી મળતી એવું કહેવાયું છે. મેં અગાઉ જણાવ્યું એમ આ બાબતને ભેદભાવ સાથે ન સાંકળી શકાય કેમકે ઉલટા મુસ્લિમ લોકોને સ્કોલરશીપના વધુ લાભ મળે છે. પણ કોલેજમાં અધ્યાપન દરમ્યાન મેં હજારો મુસ્લિમ બાળકોને ભણાવ્યા છે. કોલેજ પૂરી ન કરવા દઈને દીકરીઓના લગ્ન કરી દેતા સમાજની રીત જોઈ છે. શિક્ષણ મુસ્લિમ સમાજમાં પુરતું નથી એનું કારણ એમની પોતાની પ્રાયોરીટી અને સમાજવ્યવસ્થા છે. આ જ રીતે જો  લીટ્રસી ઓછી હોય તો હાયર પોસ્ટ પર પ્રતિનિધિત્વ પણ ઓછું હોય. આને ભારતીય સમાજની ભેદભાવ નીતિમાં ન ખપાવી શકાય. પણ લેખનો સુર એ જ છે.
• 2002 ના કોમી તોફાનોનો ઉલ્લેખ વારંવાર થતો હોય છે. કોઇપણ હિંસાની ઘટના જઘન્ય જ હોય પણ ખબર નહિ કેમ એ ઘટનાના બે પાસા જુદી-જુદી રીતે ચર્ચાય છે. ગોધરામાં જે ૫૭ લોકો જીવતા સળગાવાયા એ માટે કહેવાય છે “ આવું કામ કરનાર ટોળાને ધર્મ ન હોય” . એની સામે ગુજરાતના તોફાનો માટે કવિતાઓ લખાય છે અને બોલાય છે “ મેં હિંદુ હું ઓર શરમિંદા હું.” તો અહીં ગુનેગારો ને એક ધર્મના પ્રતિનિધિ કેમ માનવાના ?
• દરેક હિંદુ તહેવાર અને રિવાજને જુનવાણી કહેતા લોકો ટ્રીપલ તલાકનો કાયદો દૂર થયો ત્યારે  મુસ્લિમ પુરુષોને અન્યાય છે એવી દલીલો લઈને નીકળેલા.  કટ્ટરવાદની ગંધ આવે એ સાહજિક છે.
• આ દેશની સો કરોડની જનતા જેને પૂજે છે એ રામના હોવાની સાબિતી એફીડેવીડ કરીને મંગાય તો એ ઈરાદાપૂર્વક દુભ્વવાની ક્રિયા છે. જો મક્કા મદીનામાં અલ્લાના અસ્તિત્વ વિષે આવું પુછાય તો શું બને ? અને આવા સમયે જે લોકો બહુમતીને શિખામણ આપવા નીકળે છે કે “ ઈશ્વર બધા સરખા” એ વાત મુસ્લિમ ને લાગુ ન પડે ? આમાં જે સમતા રાખી રહ્યા છે એમને સતત “તમે સમતા રાખો” કહીને ઉશ્કેરવામાં આવી રહ્યા હોય એવો ઘાટ થાય છે.
• ઓમના ચિન્હ સાથે લખાયેલા “ ફક હિન્દુત્વ” ને જો કોઈ જાહેરમાં ક્રિએટીવ લીબર્ટી કહે તો સામાન્ય લોકો ઉશ્કેરાવાના છે. તસ્લીમા નસરીન અને રશ્દી સાહેબને આ ક્રિએટીવ લીબર્ટી કેમ લાગુ ન પડી એ પ્રશ્ન થવાનો છે.
• સતત ગાંધીજીની ‘અહિંસા’ ની વાતો કરતા બિરાદરો જ્યારે હિંસા કરનાર યાકુબ મેમણ કે અફઝલ ગુરુની ફાંસી રોકવા  માફીની અરજી કરે ત્યારે તે ક્ષમાનું મહોરું પહેરેલો કટ્ટરવાદ હોય છે.
• કોઇપણ સમસ્યા આવે “હમારી કોમકે લોગ” માટે “ અબ લડકે મરેંગે” જેવી ગઝલો ગાવા લાગતા શાયરો પોતાને નોન કમ્યુનલ ગણાવે એ અતાર્કિક કટ્ટરવાદ છે.
• રાહત ઇન્દોરી સાહેબ “ કિસીકે બાપકા હિન્દોસ્તાન થોડી હે “ શેર વિષે વાત કરતા આજકાલ કહે છે કે “જુના દિવસોમાં યાદ નહિ કયા સંજોગોમાં એ શેર લખાયેલો પણ એ બધા નાગરીકો માટે છે.” ઉર્દુ અદબની ચાહક હોવાને લીધે મેં રાહતસાહેબે જ્યારે હ્યુસ્ટનની એક સભામાં એ શેર વાંચ્યો એનો વિડીઓ જોયો છે અને એની સાથે કહેવાયેલી વાત પણ જોઈ છે.  “ યે શેર મેં દીલ્લીમેં લાલ કિલે સે પઢતા હું ઓર સામને વઝીરેઆઝમ બેઠે હોતે હે. ઇસીલિયે મેં હિન્દુસ્તાન મેં બહુત મશહુર હું યા બહોત બદનામ હું “ એવું મેજોરીટી મુસ્લિમ ઓડીયન્સમાં કહેવું એનો અર્થ કઈ બહુ ન સમજાય એવો નથી. અને જેમણે રાહત ઇન્દોરીને બોલતા સાંભળ્યા છે એમને એમનો ટોન પણ આ વાક્યો સાથે સમઝાશે.
• આવા સમયે જે લોકો વાસ્તવને સમજવાને બદલે સતત લઘુમતીને “ તમે શોષિત છો” કહીને ઉશ્કેરે છે એ મોટામાં મોટા ભાગલાવાદી છે. બાજુના ઘરમાં આવેલી નવી વહુને એના આખા ઘર વિરુદ્ધ ચડાવતી પાડોશણ જેવો રોલ હોય છે આ લોકોનો. પોતે સારા દેખાવું...ભલે કોકનું ઘર ભાંગે.
• અરુંધતી રોય બયાનબાજી કરે છે “ જો કોઈ સરકાર તમારું નામ પૂછે તો રંગા-બિલ્લા કહેજો”. આ બહેનને આંતરરાષ્ટ્રીય અવોર્ડ લેવા ગયા ત્યારે એરપોર્ટ પર ડોક્યુમેન્ટ વિના પ્રવેશ આપેલો ? વિશ્વના તમામ પ્રોગ્રેસીવ દેશોમાં સીટીઝન આઇડેન્ટિફીકેશનના નિયમો છે. ભારત તો બહુ મોડું જાગ્યું છે.
• અને ક્યાંય જોયું છે કે કોઈ દેશની પોલીસ માર ખાય ? એનાથી વધુ સહિષ્ણુતા કયા દેશમાં છે ?
• એક એવી છાપ ફેલાવાય છે કે ભારતમાં ભય છે, કોઈ કઈ બોલી શકતું નથી. છેલ્લા પંદર વર્ષોમાં જેટલી ગાળો મી.મોદી એ ખાધી છે એટલી હિન્દુસ્તાનના ઇતિહાસમાં કોઈએ નહિ ખાધી હોય. વિશ્વના અન્ય દેશોમાં એક આતંકવાદી હુમલો થાય તો આખાને આખા દેશ પર યુદ્ધ ડીકલેર કરી દેવાય છે. પણ ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરનાર યાકુબ મેમણ માટે અડધી રાત્રે જાગીને સુપ્રીમ કોર્ટે દયાની અરજી સાંભળવી પડે છે. આવી લોકશાહી ક્યાય જોઈ છે ?

આ બધું કહેવાનું તાત્પર્ય એ છે કે હવે બહુમતીનું અગ્રેશન વધી રહ્યું છે. ક્રિસમસ નો વિરોધ, સ્ત્રીઓના કપડા પર થતી કમેન્ટ, ફિલ્મો અને સાહિત્યનો વિરોધ , રાષ્ટ્રભાવનાનું ખોટું અર્થઘટન.... આ બધું વધી રહ્યું છે. I hate that aggression and fundamentalism, પણ હું જાણું છું કે જે ગુસ્સો, જે આક્રોશ, જે જડતા સપાટી પર દેખાઈ રહી છે એની ભીતર દુખ છે પોતાની સદ્ભાવનાના અપમાનનું. 
જો આ બહુમતીના તાર્કિક મુદ્દાઓ અવગણીને સતત એમને ભાંડવામાં આવશે તો લાંબા ગાળે અતાર્કિક વિરોધનો વિકરાળ જીન ઉભો થશે. કેમકે બૌદ્ધિકોની દલીલ ન સ્વીકારાય ત્યારે આક્રોશ વાળા ટોળા બહાર આવતા હોય છે. Unfortunate but true ….

- Devangi Bhatt

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post