Proud of God

*અભિમાન અનેક પ્રકારનાં હોય છે..👇*

*1. વર્ણઅભિમાન*
વર્ણ એટલે બ્રાહ્મણ-ક્ષત્રિય વગેરેના વર્ણઅભિમાન હંમેશાં કોઈને નીચા બતાવીને જ આવતું હોય છે. જો કોઈ તમારાથી નીચું ન હોય તો અભિમાન ન આવે. અભિમાન અપમાન વિનાનું નથી હોતું. નીચ માણસને વાણી-વર્તન-વ્યવહારથી નીચાપણું બતાવતા રહેવાથી જ સંતોષ થાય છે. આ રીતે ઉચ્ચ વર્ણના અભિમાનથી, વ્યક્તિમાં ગુણગ્રાહકતા રહેતી નથી. તે ઊતરતા વર્ણો પાસેથી સારા ગુણો પણ શીખવા તૈયાર રહેતા નથી. એક વાર વર્ણઅભિમાનને પ્રોત્સાહિત કરવામાં આવે. તેને ધાર્મિક મહત્તાની મહોર લાગી જાય પછી જીવનનાં બધાં ક્ષેત્રોમાં તે દાવેદાર થઈ જાય. આ રીતે પ્રજામાં સમાનતાનો આધાર જ ન રહે. *સમાનતા વિનાનો ધર્મ અને સમાજ કદી શક્તિશાળી ન થઈ શકે. અંતે આવી પ્રજાનું પતન થાય. જ્યારે કોઈ સમાનતાવાળો ધર્મ સ્પર્ધામાં આવી જાય.*
*2. જાતિઅભિમાન*
વર્ણ કરતાં જાતિ અલગ છે. જ્યાં વર્ણવ્યવસ્થા નથી હોતી ત્યાં પણ જાતિ તો હોય છે. જાતિ કુદરતી છે. જોવા માત્રથી ખબર પડી જાય. જેમકે સામાન્ય કૂતરું, અલ્સેસિયન, ડોબરમેન વગેરે સેંકડો જાતિનાં કૂતરાં હોય છે જે જોવા માત્રથી ઓળખાઈ જાય છે. ફળ-ફૂલ, અનાજ વગેરે બધાની અસંખ્ય જાતિઓ હોય છે. એકલા ગુલાબની જ સાડાસાત હજાર જાતિઓ છે. પ્રત્યેક જાતિના અલગ-અલગ ગુણધર્મો હોય છે તેથી તેમનું વ્યક્તિત્વ જુદુંજુદું હોય છે. વ્યક્તિત્વના પ્રમાણે તેમની વેલ્યુ થતી હોય છે. જે કિંમત બાસમતી ચોખાની હોય તે ખીચડિયા ચોખાની ન હોય. માણસોમાં પણ આવું હોય છે. આ રીતે જેની કિંમત વધારે હોય તેને અભિમાન થાય તે સ્વાભાવિક છે. આને જાતિઅભિમાન કહેવાય.
*3. કુળાભિમાન*
વર્ણ અને જાતિમાં પણ સૌ સરખાં નથી હોતાં. સૌ-સૌનાં કુળ હોય છે. કુળના પણ ગુણધર્મો હોય છે. તેથી તેની મહત્તા ઓછી-વત્તી થતી હોય છે. જેમકે પાટીદાર એક જાતિ છે પણ તેમાં જુદાંજુદાં કુળ હોય છે. સૌની પોતપોતાની ખાસિયત હોય છે. આને કુળાભિમાન કહેવાય.
*4. ધનાભિમાન*
બધાની પાસે સરખું ધન નથી હોતું. અત્યંત ગરીબોમાં પણ કોઈ ઓછો ગરીબ હોય તે તેમનો ધનવાન થતો હોય છે. તેને અભિમાન થાય તે સ્વાભાવિક છે. *ધન મહાશક્તિ છે. શક્તિ અભિમાન પેદા કરે જ. જો તે નિયંત્રણ બહાર થઈ જાય તો વિનાશ કરે. પહેલાં બીજાનો અને છેવટે પોતાનો. પણ જો તે નિયંત્રણમાં હોય તો ઉદ્ધાર કરે. પહેલાં બીજાનો અને તેના દ્વારા પોતાનો. ધન હોવા છતાં પણ ધનનો મદ ન ચઢે તેને સંત કહેવાય.*
*5. વિદ્યાભિમાન*
વિદ્યા પણ મહાશક્તિ છે, તેનો પણ મદ ચઢે. મદ ચઢે તો વિવાદ કરતો ફરે. બીજાને હરાવવામાં આનંદ આવે. તે હારને પચાવી ન શકે. *વિદ્વત્તા ત્યારે જ સંતત્વમાં પરિણમે જ્યારે વિદ્વત્તાનો મદ ન રહે ત્યારે.*
*6. રૂપાભિમાન*
બધાં માણસો રૂપાળાં નથી હોતાં, જેને ભગવાને રૂપ આપ્યું હોય છે તેને મદ થવો સ્વાભાવિક છે. તેમાં પણ સો કાળાં માણસો વચ્ચે એક ઓછું કાળું માણસ રહેતું હોય તો તેને ગર્વ થાય. ઓછા કાળામાં ગોરું રહેતું હોય અને ગોરામાં વધુ ગોરું રહેતું હોય તો તેને ગર્વ થાય. ગર્વનો આનંદ બીજાને હલકા માનવાથી આવતો હોય છે. માનો કે એક રૂપરૂપનો અંબાર માણસ હોય પણ સાથે બીજું કોઈ માણસ જ ન હોય તો ગર્વ ન થાય. હલકા વિના ભારે ન થવાય. હલકું જ ન હોય તો કેમ કરીને ભારે થાય?
*7. જોબન-અભિમાન*
રૂપ વિનાનું પણ જોબન હોય છે. જો રૂપની સાથે જોબન આવે તો તો પછી કહેવું જ શું? રૂપ અને જોબન સાચવવાની ચીજ છે. આ સ્વયં પોતાનાથી સચવાતાં નથી. વડીલ, સમાજ અને લજ્જાથી સચવાય છે, જેના ઉપર વડીલો ન હોય. સમાજ અને લજ્જા ન હોય તેવું રૂપ-યૌવન સચવાતું નથી, તે લૂંટાઈ જાય છે. ચૂંથાઈ જાય છે. ચૂંથાયેલું રૂપ-યૌવન કોડીનું થઈ જતું હોય છે.
*8. સત્તા-અભિમાન*
સૌથી પ્રબળ અભિમાન સત્તાનું હોય છે. સત્તાનો નશો ચઢતો હોય છે. નિયંત્રણ વિનાની સત્તા બેફામ થઈ જતી હોય છે. બેફામ થયેલી સત્તા પહેલાં બીજાનો અને છેવટે પોતાનો વિનાશ નોંતરતી હોય છે.
*9. જનાભિમાન*
જેની પાસે જનસમૂહ હોય. જૂથ હોય તેને જનાભિમાન થતું હોય છે. આવું અભિમાન અત્યાચારમાં બદલાઈ જતું હોય છે. અત્યાચારનો પ્રહાર ગરીબ-લાચાર-કંગાળ ઉપર પડતો હોય છે. *જો જનસમૂહનો સદુપયોગ કરવામાં આવે તો મોટાં સત્કાર્યો થઈ શકતાં હોય છે.*

*10. ત્યાગાભિમાન*
વ્યક્તિ ત્યાગી જીવન જીવતી હોય તો તેને ત્યાગનું પણ અભિમાન થાય. જે ત્યાગી નથી તેને તે તુચ્છ સમજે અને પોતાના ત્યાગનાં પોતાની મેળે વખાણ કર્યા કરે. *ત્યાગ તો જીભ વિનાનો હોવો જોઈએ. બોલકો ત્યાગ, બોલકી સેવા અને બોલકો પ્રેમ હંમેશાં ખોખલાં હોય છે. આ બધાં તો મૂંગાં જ સારાં. મૂંગાં વધુ બોલે, અને બોલકાં બફાટ વાળે.*

*આ રીતે અનેક પ્રકારનાં અભિમાન હોય છે. શક્તિમાત્ર નશો કરે. નશો અભિમાન કરે. અભિમાન અપમાન કરે. અપમાન શત્રુતા વિનાનું ન હોય અને શત્રુતા અશાંતિ કરે. હવે ધ્યાન કરે તોય શાંતિ ન મળે.!!*

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post