about Hindu beti

થોડાં જુનવાણી બનો, ઓર્થોડોક્સ બનો એમાં કંઈ વાંધો નહિ.. 

   એક દીકરી શોર્ટ પહેરીને બહાર નીકળતા શરમાઈ છે. "મમ્મી ચડ્ડી પહેરીને થોડું બહાર જવાય?" એ આવું સામેથી કહે છે.એને ઘરમાંથી ક્યારેય ફોર્સ નથી કર્યો કે આ જ પહેરાય કે આ ન પહેરાય. એ ઘરની સ્ત્રીને ઘણા લોકો સલાહ દેવા આવે છે કે આવડી છોકરીએ તો ગમે તે પહેરાય. આવડી નાની છોકરી પર કોઈ બંધન હોવા ન જોઈએ. 
       100% સાચું. બંધન દીકરી પર તો ક્યારેય હોવા જ ન જોઈએ. પણ મુક્તિની કિંમત એક દીકરી માટે શું છે એ સમજીને પછી એને મુક્ત કરવામાં આવે તો જ એની જિંદગીમાં એ ક્યાંક આગળ વધી શકશે. જંગલમાં વરુઓ વચ્ચે બકરી ક્યાં સુધી અસ્તિત્વ ટકાવી શકશે? સ્ત્રી સશકિતકરણ, કરાટેના ક્લાસ, boldness અને હાજરજવાબીપણું.. આ બધું જ એક સુટકેશમાં બંધ થઈને પડ્યું રહે છે. કામ આવે છે માત્ર અને માત્ર સમજણ. એક એવી સમજણ જે પગ લપસ્યા પહેલાં જ બચાવી લે. 
       સામુ બોલવું,અડધી રાત સુધી રખડવું, શોર્ટ્સ પહેરવા, night out માટે જવું એને આજના મા બાપ બોલ્ડ ગણે છે. એના માટે ગર્વ લે છે. પણ દીકરી માટે ક્યારેય જમાનો બદલાતો નથી. આજની સ્ત્રી સાથે એવું શું ન થાય જે પહેલાના જમાનામાં થતું? થાય જ. અને એ ત્યારે જ થાય જ્યારે સ્ત્રી તરફથી ગ્રીન સિગ્નલ મળે.બાકી ઘરમાં બાપ અને ભાઈની હાજરીમાં કયો માઈનો લાલ તમારી પર દાનત બગાડી જાય? 
      દિલ પર હાથ રાખીને કહેજો કે અંધારા પહેલાં ઘરે આવી જતી, રાત્રે કામ હોય તો પપ્પા કે ભાઈ સાથે નીકળતી, સૂમસામ ગલી માંથી નીકળવાનું ટાળતી, ઘરમાં જરૂર ન હોય તો શોખ માટે રાત્રીના સમયે નોકરી ન કરતી, private sector માં જરૂર પડતી જ માહિતી આપતી, કોઈ સાથે નકામી chat કરીને પોતાના ઘરની વાત ન જણાવતી, જરૂર ન પડે ત્યાં ટૂંકા કપડા પહેરીને અંગ પ્રદર્શન ન કરતી સ્ત્રીઓ માટે જમાનો ક્યારેય એટલો ખરાબ રહ્યો છે? 
     દીકરીને બોલ્ડ બનાવવાના નામે શોર્ટ્સ પહેરાવવા કે friends જોડે night out માટે જવાની છૂટ આપીને દરેક મા બાપ બસ એક જ વાત જતાવવા માંગે છે કે અમે જુનવાણી નથી. એમાંય દાદીમા કે નાનીમા ટોકે ત્યારે તો આ પપ્પાની પરીઓના મોઢા ચડી જતા હોય છે. 
     આવા ફટાકડાનું બોવ જલ્દી સુરસુરિયું થઈ જતું હોય છે. કાંડામાં બળ નહિ ને કમર કચરા પોતા માટે પણ વળી ન હોય એ સામનો કરવા તો ક્યાંથી સમર્થ હોય? 
     એની સામે બંધન વચ્ચે ભણતી એવી છોકરીઓને મેં જોઈ છે જે એક લેક્ચર ન ભરીને ફરવા જવા માટે થતા આગ્રહને આસાનીથી ના પાડી શકે છે. મને ભણવાની છુટ મળી છે એ પણ ઘણી છે એમ માનતી આ છોકરીઓ કોલેજ પતાવીને પોતાના ગામમાં જતી પહેલી બસમાં ચડી જતી હોય છે. હકીકતે એ સમયસર બસમાં જ નથી ચડતી પણ જિંદગીના સફરમાં એ સાચા સમયે સાચા માર્ગ પર ચડી જતી હોય છે. એ બસમાં અટકચાળા કરતાં છોકરાઓને સારો એવો પાઠ ભણાવતા પણ રસ્તામાં જ શીખી લેતી હોય છે તો સ્વરક્ષણની તાલીમ લેવા એને કોઈ ક્લાસીસમાં જવું નથી પડતું. 
     ટુંકમાં દીકરીને છુટ અપાય, 100% અપાય, પણ દીકરીને પોતાની મર્યાદા સમજવી જ રહી. પોતે ક્યાં હઠ અને વટ ન કરાય એવી શિખામણ આપવી જ જોઈએ. તમે માત્ર ફેશન કરતાં જ શીખવાડો, four wheel આવડે એટલે જંગ જીતી લીધી હોય એવું જતાવો કે પછી પૈસા કમાઈ એટલે બધે લડી લેશે એવી માન્યતાઓમાં રાચો તો ન ચાલે. આ બધા જિંદગી જીવવાના supplymentry લેશન છે. મૂળ પાઠ એ છે છે કે ક્યાં અટકવું એ એને ખબર પડવી જોઈએ. આંતરધર્મ નહીં પણ આંતરજ્ઞાતિય સંબંધો પણ જો લગ્નમાં પરિણામે તો કેવા ફેરફારો થાય એ બોવ નાનપણથી એના મગજમાં ફીટ કરી જ દેવું જોઈએ, હું એકલી લડી લઈશ એવા પાવરમાં રહેવા કરતાં ક્યારેક ભાઈ અને પપ્પાની મદદ લેવામાં નાનપ નથી એ દિકરીને સમજાવું જોઈએ. દાદીમા અને નાનીમા પાસે અનુભવનું ભાથું આપણા કરતાં વધુ છે અને એને સ્વીકારવાથી આપણે ગામડાના કે અભણ સાબિત નહિ થઈ જઈએ એ વાત છોકરીઓએ ગળે ઉતારવી જોઈએ. 
     આ વાતનો અર્થ સ્ત્રીઓને ચાર દીવાલોની વચ્ચે માત્ર ઘરનાં જ કામ કરવા કે ધંધા ઉદ્યોગમાં આગળ ન વધવું એવો નથી.. પણ એક ઉંમર સુધી એ family સાથે ખૂબ અટેચ રહે તો સલામતી,હૂંફ અને પ્રેમના પાયાના પાઠ શીખી શકે.પોતાના માતા પિતા ખોટા હોય તો પણ આપણે સાચા છીએ એ જતાવવા ઉતાવળા નિર્ણયો કરીને તમે કંઈ તીર નથી મારતા. સામેવાળો આપણને જલ્દી કોઈ નિર્ણય લેવા કેમ કહે છે? ઉતાવળે સંબંધ નહિ બાંધો કે લગ્ન નહિ કરો તો એવું તો શું અટકી જવાનું છે સામેવાળાનું એ તો વિચારો… 
      ખૂબ નાજુક હોય છે દીકરી નામની વેલ, દીકરીનું જતન કરવાનું છે એટલે એને ટોકવી કે રોકવી એ ગુન્હો નથી. એને સાચી સલાહ આપવાથી તમે પછાત કે જૂના જમાનાના નથી થઈ જવાના.. ઘરમાં શોર્ટ પહેરે કે પપ્પા મમ્મી સાથે night out કરે તો એમાં કાઈ વાંધો નહિ પણ બહારની દુનિયામાં તો સમજણ રૂપી વસ્ત્રો જ પહેરવા પડશે. કપડાં નહિ નઝર ખરાબ હોય છે એ વાત સાચી, સાડી પહેરેલી સ્ત્રી પ્રત્યે પણ ખરાબ નજર કરવાવાળા હશે જ. પણ આગળ વધવું કે નહિ એ માટે કપડાંના પ્રકાર પરથી અને છોકરીની વાતો પરથી છોકરાઓ નક્કી કરતા હોય છે કે આના ઘરમાં આવું વાતાવરણ છે અને આ પપ્પાની પરીને આસાનીથી શીશામાં ઉતારી શકાય છે.
     હું એક વકીલ તરીકે આ બધું રોજ અનુભવું છુઁ. ઘણાં મા બાપને હું કોર્ટ ની બહાર બોલાવી કહું છું કે આપની દીકરીને ક્યારેક મોડી આવે તો પૂછજો કે કેમ મોડું થયું? દીકરીઓ સારી જ હોય છે પણ આખા વિશ્વને નહિ સમજાવી શકાય. કેટલા કિસ્સાઓમાં ધર્મ અને જ્ઞાતિ આગળ ધરી દેશું? અને જો અમુક ધર્મ કે જ્ઞાતિના છોકરાઓ વિશે તમે જાણો જ છો તો એ પણ સ્વીકારવું જ રહ્યું કે દીકરી તેની સાથે રહેવા જતી રહે એટલી હદે છુટ એને તમે જ આપી હશે ને! સ્વતંત્રતા અને સ્વચ્છંદતા અલગ વસ્તુ છે. 
       દીકરા માટે પણ બંધન હોવા જોઈએ. એને પણ લેટ નાઈટ રખડવાના શોખ એક દીકરી માટે ભારે જ પડે છે  પણ સમજી લેજો તમારા આ અભિપ્રાયો વાંચીને એમ અચાનક દીકરાઓ સુશીલ નથી બની જવાના. દરેક દીકરાને ઘરમાંથી આ શીખ નહિ જ મળે. 10 સારા છોકરાઓ નથી નડતા એક કપાતર જ કાફી છે. એટલે  દીકરીને જ સમજાવવી પડશે. ઘણાં આ લેખ વાંચીને અહીં સલાહ આપવા આવશે જ કે છોકરીઓએ જ શાં માટે સહન કરવાનું? પણ શરીર ઢંકાઈ એવા કપડા પહેરવા એમાં તમે શું સહન કરો છો? તમારી દીકરીને હજુ ચા બનાવતા ન આવડતી હોય અને એના હાથમાં મોબાઈલ આપીને તમે ક્યા પ્રકારના આધુનિક માં બાપ હોવાની સાબિતી આપો છો? 
       છોકરીને પાઇલટ બનવા સાથે કે ડોક્ટર કલેકટર બનવા સાથે અને આવી વધારે પડતી છૂટને કોઈ સંબંધ નથી. વધારે છુટ અને વધારે બંધન બંને ઘાતક..
દિકરીઓને માપમાં રાખો... પહેલાં ખડતલ બનાવો પછી જંગલી વરુઓની દુનિયામાં એકલી મૂકો. 
      અહી વાંક છોકરીનો છે કે આ હત્યા ક્રૂર નથી એવું કહેવાનું બિલકુલ તાત્પર્ય નથી. પરંતુ આપણા ઘરમાં છુટ મળવાથી દુનિયા બદલી નથી જતી. આપણો ભાઈ સારો હોય એટલે બધા સારા હોય એ ભ્રમમાં ન રાચવું જોઈએ. દુનિયા બોવ ખરાબ છે એ વાક્ય નેગેટિવ નથી. એ વાક્ય સ્ત્રીઓને તૈયાર કરવા માટેનું સૌથી મોટીવેશનલ વાક્ય છે. સ્ત્રી ઘરથી કોલેજ સુધી પહોંચશે ત્યાં સુધીમાં અઢળક ખરાબ નજર એને જોઈ રહી હશે. એ નજરને સુધારવા આ ભવ ઓછો જ પડવાનો. એને રોકવા કે ટોકવા એ પણ સ્ત્રીઓ માટે તો અવળું જ સાબિત થવાનું. એટલે એક સૌથી સરળ ઉપાય એ કે એ ગ્રીષ્મા હશે કે શ્રધ્ધા એને તૈયાર થવું પડશે. ગ્રીષ્મા વખતે લખેલું એ જ થોડું પાછું લખવાનું મન થાય છે... આવા કિસ્સામાં હવે એક પણ દીકરી ભોગ ન બને તે માટે માત્ર બેટી બચાઓ અને બેટી પઢાઓ જ નહિ પણ કોઈની દીકરીને મારવા ઉપડેલા કપાતરનાં હાથ ત્યાં જ કાપી નાખે એવી દીકરીઓ તૈયાર કરવાની છે. એના માટે દીકરીઓ હવે આ tedy bedy મૂકો અને તલવાર ચલાવતા શીખો. વાળમાં ગુલાબ શોભે પણ આંખમાં અંગારા રાખો. પ્રપોઝ ડેમાં હા કે ના કહેવા તમારું સર્જન નથી થયું. તલવાર રાસ રમતા રમતા તમારે કાંડા મજબૂત કરવાના છે. જો સારા ઘરમાં રહો છો તો  પ્રથમ ભરોસો બાપ અને ભાઈનો કરજો.. 
      
     બાકી મા બાપ માટે દરેક કિસ્સો ચેતવણીરૂપ છે જ. "એને તો રૂમ લોક કરીને જ વાંચવું ગમે.' "એના રૂમમાં કોઈ જાય એ એને ન ગમે." "એના મોબાઇલને તો અડાઈ જ નહિ, એને બિલકુલ ન ગમે." " બા તમારે એને કંઈ ન કહેવું" "એને પાર્ટીમાં ગમતાં કપડા નહિ લઈ દઈએ તો પાછું મોઢું ચડાવશે."
     તો ચડાવવા દો મોઢું, આવા જ લાડમાં લાડબાઈ ઊંધા પગલાં ભરી બેસે છે. એને પહેલેથી થોડું રોકવાનું ટોકવાનું રાખું. કારણકે ખૂબ છુટ લીધેલી કળીને પછી ફ્રીઝ અને સૂટકેશમાં બોવ ગૂંગળામણ થશે ..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post